સૌરાષ્ટ્ર પર આકાશી આફત: દ્વારકા, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં માવઠાથી ભારે નુકસાન
ગુજરાતના સૌરાષ્ટ્ર પંથકમાં કમોસમી વરસાદે ખેડૂતોની હાલત અત્યંત કફોડી કરી નાખી છે. અણધાર્યા માવઠાએ જગતના તાતની 4 મહિનાની કાળી મજૂરી પર જાણે પાણી ફેરવી દીધું છે. છેલ્લા કેટલાક દિવસોથી બદલાયેલા વાતાવરણ વચ્ચે દેવભૂમિ દ્વારકા,

ગુજરાતના સૌરાષ્ટ્ર પંથકમાં કમોસમી વરસાદે ખેડૂતોની હાલત અત્યંત કફોડી કરી નાખી છે. અણધાર્યા માવઠાએ જગતના તાતની 4 મહિનાની કાળી મજૂરી પર જાણે પાણી ફેરવી દીધું છે.
છેલ્લા કેટલાક દિવસોથી બદલાયેલા વાતાવરણ વચ્ચે દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં આકાશી આફત ખાબકી છે. ખેતરોમાં તૈયાર થયેલો અને લણણી માટે ઊભેલો પાક પલળી જતાં ખેડૂતોના મોઢે આવેલો કોળિયો ઝૂંટવાઈ ગયો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદે ભારે તારાજી સર્જી છે. ખાસ કરીને કલ્યાણપુર તાલુકામાં બરબાદીનું માવઠું ખાબકતાં ખેતીને વ્યાપક નુકસાન થયું છે.
ભાટિયા, કેનેડી અને કલ્યાણપુર સહિતના ગામોમાં અચાનક જ વરસાદ તૂટી પડ્યો હતો. આ સાથે જ ખાખરડા અને રાજપરા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસતાં ખેડૂતો ભારે ચિંતામાં મુકાઈ ગયા છે.
ગીર સોમનાથ જિલ્લામાં સતત બીજા દિવસે પણ માવઠાનો માર જોવા મળ્યો છે. તાલાલા પંથકના આંબળાશ, પીપળવા અને ધ્રામણવા સહિતના ગામોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો.
ગીર ગઢડા, ઉના અને કોડીનાર તાલુકામાં પણ પરિસ્થિતિ ગંભીર છે. ગીર ગઢડાના ફાટસર અને ખિલાવડમાં તો માત્ર 30 મિનિટના વરસાદે ખેતરોમાં ભયંકર બરબાદી સર્જી દીધી છે. અહીં કપાસનો ઊભો પાક સંપૂર્ણપણે જમીનદોસ્ત થઈ ગયો છે.
શેરડી, સોયાબીન અને મગફળીના પાકને પણ મોટું નુકસાન પહોંચ્યું છે. જે ખેડૂતોએ પાછોતરું વાવેતર કર્યું હતું, તેમના જીવ અત્યારે તાળવે ચોંટી ગયા છે અને ખેતરોમાં પડેલા મગફળીના પાથરા પલળી જવાની દહેશત ઊભી થઈ છે.
મગફળી કાળી પડી જવાના કારણે બજારમાં પ્રતિ 20 કિલો (મણે) 150 થી 200 રૂપિયા ઓછો ભાવ મળવાની ખેડૂતોને ભીતિ સતાવી રહી છે. અગાઉ અપૂરતા વરસાદથી ઉત્પાદન ઘટ્યું હતું, અને હવે કપાસ તથા સોયાબીનમાં આ માવઠાએ પડ્યા પર પાટું મારવાનું કામ કર્યું છે.
તાત્કાલિક સર્વે અને સહાયની ઉગ્ર માંગ
આ સમગ્ર પરિસ્થિતિને કારણે સૌરાષ્ટ્રના ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થવાના આરે આવી ગયા છે. તેમની 4 મહિનાની મહેનત ધોવાઈ ગઈ છે.
હવે આ મુશ્કેલ સમયમાં ખેડૂતો સરકાર પાસે આશા લગાવીને બેઠા છે. તમામ અસરગ્રસ્ત જિલ્લાઓના ખેડૂતોની એક જ માંગ છે કે સરકાર તાત્કાલિક ધોરણે નુકસાનીનો સર્વે કરાવે અને યોગ્ય આર્થિક સહાય ચૂકવે.






